બસમાં બેઠેલા 25 મુસાફરોને સલામત રીતે બહાર કઢાયા હતા
કેશોદ: કેશોદ તાલુકાનાં સરોડ ગામ પહેલાં આવતા પુલ પરથી આજે એક એસટી બસ પસાર થઇ રહી હતી એજ વખતે પુલ અચાનક ધરાશાયી થઇ ગયો હતો. પરીણામે બસ પુલ પરજ લટકી પડી હતી. જોકે, આ બનાવમાં કોઇ પેસેન્જરને ઇજા પહોંચી નહોતી. ગામલોકોએ ટ્રેકટર વડે બસને ખેંચીને રોડ પર લાવી હતી. અને બાદમાં કેશોદ એસટી ડેપો ખાતે મોકલી આપી હતી.
એસટી બસ પસાર થતી વખતે જ પુલ થયો ધરાશાયી
પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, આજે સવારે 7:30 વાગ્યાનાં અરસામાં કેશોદથી બાંટવા જતી બસ કેશોદ તાલુકાનાં સરોડ ગામે પહોંચી એ વખતે ગામની પહેલાં આવતા એક નાનકડા પુલ પરથી પસાર થતી વખતે પુલ અચાનક જ ધરાશાયી થઇ ગયો હતો. જોકે, બસનાં આગલા વ્હીલ સહિત અડધાથી વધુ ભાગ રોડ પર રહી ગયો હોવાથી કોઇ ગંભીર અકસ્માત સર્જાયો નહોતો. બસનાં ડ્રાઇવર રાજેશભાઇ કરંગીયાએ કુનેહપૂર્વક બસને નદીમાં ગબડતી અટકાવી હતી.
4 કલાકની મહેનતનાં અંતે બસને બહાર કાઢી
બાદમાં 20 મુસાફરોને ધીમે ધીમે બસની બહાર કાઢ્યા હતા. આ વાતની ખબર પડતાં ગામલોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને બસને બહાર ખેંચી કાઢવા ટ્રેકટર જેવા વાહનો કામે લગાડી આખરે 4 કલાકની મહેનતનાં અંતે બસને બહાર કાઢી હતી. બાદમાં તેને કેશોદ એસટી ડેપો ખાતે રવાના કરાઇ હતી. જ્યારે મુસાફરો પોતપોતાનાં ગંતવ્ય સ્થાને જવા રવાના થયા હતા.
પુલ વર્ષોથી જર્જરિત
કેશોદ તાલુકાનાં સરોડ ગામ પાસેનો આ પુલ વર્ષો જૂનો છે. અને તે જર્જરિત હાલતમાં હોઇ ગામલોકોએ તેને રીપેર કરવા અનેકવખત રજૂઆતો કરી છે. આમ છત્તાં તંત્રઅે ધ્યાન ન આપતાં આજની ઘટના બની હતી. જો બસ ડ્રાઇવરે સમયસુચકતા વાપરી બસને નદીમાં ગબડતી અટકાવી ન હોત તો ગંભીર અકસ્માતની શક્યતા હતી.
વાહન પસાર થાય એટલે પોપડાં ખરે
જેટલી વખત આ પુલ પરથી વાહનો પસાર થાય એટલી વખત ધ્રુજારી સાથે તેમાંથી પોપડાં ખરતા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું.
Comments
Post a Comment