પઠાણકોટ આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ અને જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહર વિરુદ્ધ ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જારી કરી છે. ઈન્ટરપોલે મસૂદ અઝહરના ભાઈ રઉફ અને મુખ્ય હેન્ડલર કાશિફ જોન વિરુધ્ધ પણ નોટિસ જારી કરી છે. મસૂદ પર પ્રતિબંધ લગાવવાની ભારતની અપીલ પર સયુંક્ત રાષ્ટ્રમાં ચીને દગો દઈ દેતા હવે ઈન્ટરપોલના આ પગલાંથી ભારતને થોડી રાહત જરૂર મળી છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ મામલે તપાસ કરી રહેલી NIAએ સીબીઆઈ દ્વારા ઈન્ટરપોલને મસૂદ અઝહર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવાની અપીલ કરી હતી. સીબીઆઈએ ઈન્ટરપોલનો સંપર્ક કર્યો અને હુમલાના માસ્ટરમાઈન્ડ વિરુદ્ધ એક્શન લેવા માટે તૈયાર કર્યા હતાં.
અત્રે જણાવવાનું કે ભારત તરફથી પાકિસ્તાન પર મસૂદ અઝહરની ધરપકડનું દબાણ વધારવામાં આવ્યું હતું પરંતુ કોઈ ખાસ અસર થઈ નહતી. પઠાણકોટ પરના આતંકી હુમલાના કારણે બંને દેશો વચ્ચેની વિદેશ સચિવ સ્તરની વાતચીત પણ રદ થઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી તપાસ માટે ભારત આવેલી જોઈન્ટ ઈન્વેસ્ટિગેશન ટીમ (JIT)ના હવાલે પાક મિડિયાએ એવો દાવો પણ કર્યો હતો કે પઠાણકોટ હુમલામાં પાકિસ્તાનનો કોઈ હાથ નથી.
એક વધુ માહિતી એ પણ જાણવા મળી છે કે પઠાણકોટ હુમલાના કાવતરાખોરોમાં એક નામ એ શખ્સનું પણ બહાર આવ્યું છે જેને યુપીએ સરકારે પાક સાથે સંબંધો સુધારવાની લ્હાયમાં વર્ષ 2010માં છોડી મુક્યો હતો. જૈશ એ મોહમ્મદનો આ આતંકી પઠાણકોટ હુમલોનો ચીફ હેન્ડલર હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. આ આતંકી 11 વર્ષ સુધી ભારતની જેલમાં બંધ હતો.
Source URL : http://www.sandesh.com/article.aspx?newsid=3280231
Comments
Post a Comment