ટીવી પર આવતા રિયાલીટી શો સામાન્ય વ્યક્તિ માટે પોતાની પ્રતિભાને બહાર લાવવા પ્લેટફોર્મ પૂરું પાડે છે. આવો જ એક રિયાલિટી કાર્યક્રમ 'ઈન્ડિયા ગોટ ટેલેન્ટ' કલર્સ ચેનલ પર આવે છે. જેમાં સુરતના રોક ઓન ગ્રૂપના 22 સભ્યોએ ધમાકેદાર પરફોર્મન્સ કરી ફાઇનલ તરફ આગેકૂચ કરી છે. ઓલપાડ ગામના હાથીસા રોડ પર સરકારી સરદાર આવાસમાં રહેતો સામાન્ય પરિવારનો અનિલ ચૌહાણ પણ આ 22 સભ્યોમાં સામેલ છે. સુરતના આ રોક ઓન ગ્રૂપે 'ઈન્ડિયા ગોટ ટેલેન્ટ' ના રિયાલિટી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જેમને બે દિવસ પૂર્વે જ 'જય હો' ગીત પર જોરદાર ડાન્સ કરી જજીસના દિલ જીતી લીધા છે. આ પરફોર્મન્સ નિહાળી કરણ જોહર ,કિરણ ખેર, મલ્લિકા અરોરા તેમજ ફિલ્મના ઓડિશન માટે આવેલી બચ્ચન પરિવારની એશ્વર્યા રાય પણ ઊભા થઈને તાળીઓ પાડવા મજબૂર બની ગયા હતા.
અનિલ એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેના માતા-પિતા ઓલપાડની મુખ્યબજારમાં કપડાની લારી ચલાવી જીવન-ગુજરાન ચલાવે છે. પરંતુ કહેવાય છે ને કે, પૂરતો શ્રમ અને લગનથી કરવામાં આવેલ કાર્ય સફળતા જરૂર અપાવે છે. અનિલને નાનપણથી જ ડાન્સ કરવાનો ખૂબ જ શોખ હતો. સ્કૂલ ટાઈમમાં પણ તે અનેક કોમ્પિટિશનમાં ભાગ લેતો અને જીત પણ મેળવતો. તેનું સપનું હતું કે, તે રિયાલિટી કાર્યક્રમમાં ડાન્સ કરે અને લોકો તેને જુએ. અનિલ જ્યારે પ્રેક્ટિસ કરતો હોય ત્યારે લોકો તેની મજાક ઉડાવતા હતા પરંતુ તેણે ઈન્ડિયા ગોટ ટેલેન્ટ જેવા રિયાલિટી કાર્યક્રમમાં ડાન્સ કરીને બધા લોકોની બોલતી બંધ કરી દીધી છે.
ઘરમાં બે ટંક ખાવાનું માંડ મળે એટલી ગરીબાઈ હોવા છતાં અનિલ ટિકિટ ભાડાના પૈસા મિત્રો પાસેથી પણ માંગીને સુરત પ્રેક્ટિસ કરવા જતો હતો. આમ, ડાન્સર બનવા માટે તેણે ખૂબ જ આકરી મહેનત કરી છે. હાલ તે સુરત શહેરની જુદી જુદી ખાનગી સ્કૂલોમાં ડાન્સ ટીચર તરીકે નોકરી કરી રહ્યો છે. અને એ આવકને તે ડાન્સની પ્રેક્ટિસમાં આપીને પોતે આગળ વધી રહ્યો છે. હાલ તો તેની ટીમ ક્વાટર ફાઇનલ સુધી પહોંચી છે. પરંતુ તેની અને તેની ટીમના 22 સભ્યોની મહેનતથી તેઓ ફાઇનલ સુધી પહોંચી સુરત અને ગુજરાતનું નામ રોશન કરશે એવો તે વિશ્વાસ વ્યકત કરી રહ્યો છે.
Source URL : http://www.sandesh.com/article.aspx?newsid=3290630
Comments
Post a Comment