ધારીના આંબરડી પાર્ક નજીકના સાવજના રહેઠાણમાં વનવિભાગ દ્વારા ભૂતકાળમાં કયારેય કરાઇ ન હોય તેવી ઐતિહાસિક કાર્યવાહી કરાઇ છે. માનવભક્ષી બનેલા સાવજને શોધવા આ વિસ્તારના તમામ તેર સાવજોને પાંજરે પૂરવા નિર્ણય કર્યો છે અને સાંજ સુધીમાં દસ સાવજોને પાંજરામા સપડાવી દેવામા આવ્યા હતા. જ્યારે બાકીના ત્રણ સાવજોને પકડવા રેસ્ક્યૂ ટીમો કામે લાગી છે. સાવજના મળની તપાસના આધારે બાદમાં એ શોધી કઢાશે કે કયા સાવજે કિશોરને ફાડી ખાધો હતો.
જૂનાગઢ/ધારીઃ ગીરના જંગલ અને આસપાસના વિસ્તારોમાં સિંહો દ્વારા માણસ ઉપર જીવલેણ હુમલાના વધતા બનાવોને પગલે માનવ વસાહત ઉપરાંત વન તંત્રમાં પણ ચિંતા ફેલાઇ છે. શુક્રવારે અમરેલીના આંબરડી ગામે 11 વર્ષના કિશોરને સિંહ ઉપાડી ગયા બાદ ફાડી ખાવાની ઘટનાના પગલે માનવભક્ષી સિંહને ઓળખીને પાંજરે પૂરવા માટે વન વિભાગ દ્વારા ઓપરેશન હાથ ધરાયું છે. વન વિભાગ દ્વારા લોક હીતને ધ્યાનમાં રાખીને આંબરડી પાર્ક વિસ્તારમાં રહેતા તમામ 14 સિંહોને પાંજરે પુરવાનો નિર્ણય લેવાયો છે. શુક્રવારે 4 અને શનિવારે 6 મળીને કુલ 10 સિંહોને પાંજરામાં પૂરવામાં આવ્યા છે. જેમાં 1 નર, 5 માદા અને 4 પાઠડાનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના સિંહોને પણ પાંજરે પુરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગ દ્વારા સિંહોના વર્તનનો અભ્યાસ કરવામાં આવશે. આ તમામના લેબોરેટરી ટેસ્ટ કરીને માનવભક્ષી સિંહની ઓળખ કરવામાં આવશે.
ગીર-પૂર્વના ડીસીએફ ટી.કૃપાસ્વામીએ કહ્યું કે, આંબરડીની ઘટના બાદ તરત જ અમે ઓપરેશન હાથ ધર્યું હતું અને બે દિવસમાં શંકાસ્પદ લાગતા 10 સિંહોને પકડ્યા છે. આંબરડી આસપાસ પાણીના સોર્સ હોવાથી સિંહની અવરજવર વધુ રહે છે અને ભોગ બનનાર બહાર ખુલ્લામાં સૂતા હોવાથી સિંહે તેમના ઉપર હુમલો કર્યો હોવાનું અમને પ્રાથમિક રીતે જણાયું છે. પાછલા મહિનાઓની ઘટનામાં પણ 3 સિંહોને પકડીને રેસ્ક્યૂ સેન્ટરમાં મોકલી અપાયા છે. આ વિસ્તારમાં હજુ પણ ત્રણ સાવજ આંટા મારી રહ્યાં છે. અને આ ત્રણ સાવજો પણ બહુ ઝડપથી પાંજરે પુરાશે તેવી વનતંત્રને આશા છે.
અગાઉ માનવભક્ષીને બદલે નિર્દોષ સિંહોને પકડી લેવાયા હતા ?
અમરેલીઃ ધારી નજીક બની રહેલા આંબરડી પાર્ક આસપાસના વિસ્તારમાં બે માસમાં સાવજોએ ત્રણ વ્યકિતઓને ફાડી ખાધાની ઘટના બાદ નરભક્ષી સાવજને શોધવાની વનતંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. અગાઉ પણ માણસને ફાડી ખાધાની બે ઘટના બની હતી અને તે વખતે વનતંત્રએ ત્રણ સાવજોને નરભક્ષી ગણી પાંજરે પુરી દીધા હતા. છતા ત્રીજી ઘટના બની હતી. ત્યારે સવાલ એ ઉઠવા પામ્યો છે કે ખરેખર વનતંત્રએ જે ત્રણ સાવજોને પકડી તો લીધા પરંતુ શું ખરેખર તેઓ નરભક્ષી હતા?
અહીં બીજા અનેક સવાલો ઉભા થયા છે. શું અહી એક પછી એક સાવજો નરભક્ષી બની રહ્યાં છે. કે પછી માણસ પર હુમલાની ઘટનાનું સાવજો એકબીજાનું અનુકરણ કરી રહ્યાં છે. કે પછી એક જ સાવજ આવા હુમલા કરે છે અને વનતંત્ર તે સાવજને પકડી શકયુ નથી દરેક કિસ્સામાં સાવજ શિકારને ઢસડીને નદીના પટ્ટમા લઇ જાય છે. આમ અગાઉ હુમલો કરનાર સાવજ હજુ પણ ખુલ્લો રખડતો હોવાની શકયતા વધુ છે.
Comments
Post a Comment