આજે વડોદરામાં સતત બીજા દિવસે દબાણ શાખાની ટીમને ડિમોલિશન પ્રક્રિયામાં વિરોધનો સામનો કરવો પડ્યો હતો. વડોદરાના અટલાદરા વિસ્તારમા દબાણ હટાવવાન મુદ્દે ઘર્ષણ થયું હતું. જેથી સ્થાનિક લોકોએ પથ્થરમારો કર્યો હતો. તેમજ વાહનો અને અન્ય સામાનને આગ ચાંપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ અટલાદરા પાસેના ભીમતળાવ ખાતે 500 જેટલા ગેરકાયદેસર મકાનોને તોડી પાડવા પહોંચી હતી. પરંતુ સ્થાનિક લોકોએ દબાણ ટીમ પર ગુસ્સો ઉતારીને તેમની સાથે ઘર્ષણ પર પહોંચી ગયા હતા. જો કે સ્થાનિકોના રોષને જોઈએ દબાણ શાખાની ટીમ પાછી ફરી હતી અને અડધો કલાક બાદ પોલીસ બંદોબસ્ત અને ફાયરબ્રિગેડના કાફલા સાથે પરત આવી હતી.
પોલીસની હાજરીમાં દબાણ શાખાએ કામગીરી શરૂ કરતાં જ સ્થાનિક ટોળાએ તેમનો સામાન ઘરમાંથી બહાર કાઢી આગ ચંપી કરી હતી. ગુસ્સે થયેલા ટોળાએ પોલીસ પર
પથ્થરમારો પણ શરૂ કર્યો હતો. ભારે પથ્થરમારો થતાં પોલીસ, ફાયરબ્રિગેડ અને દબાણ શાખાની ટીમે પણ વળતો પથ્થરમારો કરવો પડ્યો હતો. સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. સામ-સામે પથ્થરમારા અને ઘર્ષણમાં બે પોલીસકર્મીઓ સહિત પાંચ લોકોને ઇજાઓ થઇ હતી. ઘર્ષણમાં રસ્તા પર પડેલા પાંચ જેટલા વાહનોના કાચ તોડી નાખવામાં આવ્યા હતાં.
સામસામે પત્થરમારો થતા જાણે યુદ્ધ જેવો માહોલ સર્જાયો હતો. એક તરફથી લોકો અને બીજા તરફથી પોલીસ, ફાયર બ્રિગેડ અને દબાણ શાખા પત્થરમારો કરતા માહોલ પણ વધુ તંગદીલ બનતો ગયો હતો. પોતાના માથા પરથી છત છીનવાઈ જતા બેઘર બનેલા લોકો પોલીસ પર વરસી પડી હતી.
વડોદરામાં સતત બીજા દિવસે ડિમોલિશન પ્રક્રિયાનો વિરોધ ઉઠ્યો હતો. એકતરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ માથા પરથી છત જતી રહે ત્યારે લોકોનો આક્રોશ બેવડાયો હોય તેવુ લાગ્યું હતું.
ગઈકાલે પણ ડિમોલેશનો વિરોધ કરાયો હતો
ગઈ કાલે ગુરુવારના રોજ વડોદરાના જ છાણી વિસ્તારમાં સરકારી જગા પર ઉભી કરાયેલી હનુમાન ટેકરીનાં 44 કાચાં પાકાં મકાનો પર સેવાસદનનાં બુલડોઝર ફરી વળ્યાં હતાં અને આ સમયે સ્થાનિક રહીશો અને પોલીસ વચ્ચે રીતસરની ઝપાઝપી થતાં મામલો બેકાબૂ બન્યો હતો. એટલું જ નહીં, આ ઘટના બાદ એક વૃદ્ધાનું મોત નિપજ્યું હતું.
Source URL: http://www.sandesh.com/article.aspx?newsid=3291397
Comments
Post a Comment