નવસારી: નેશનલ હાઈવે નં.8 પર ગણેશ સિસોદરા ગામની હદમાં આર.ટી.ઓ. ઓફિસ નજીક મહિન્દ્ર પીકઅપ ડિવાઈડર પર ચઢી જઈ હાઈવે પરથી પસાર થતી ગટરલાઈનની દિવાલમાં ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં સુરતના વરિયાવ વિસ્તારના બાળકો સહિત 22 જણાંને ઈજાઓ પહોંચી હતી. જ્યારે ત્રણ બાળકો સહિત પાંચ જણાંના મોત નીપજ્યા હતા. સુરતના વરિયાવ વિસ્તારના માછીવાડમાંથી ભેગા મળીને 25 જેટલા લોકો દમણ હરવા ફરવા ગયા હતા. તેઓ મહિન્દ્રા પીકઅપ નં.જીજે-5-બીવી-7932માં દમણ પહોંચ્યા હતા.
રાત્રે 8.00 કલાક સર્જયો અકસ્માત
હરવા ફરવાનો આનંદ માણી તેઓ ઘરે પરત થઈ રહ્યા હતા. ત્યારે રાત્રે 8.00 કલાકની આસપાસ તેમની પીકઅપને નેશનલ હાઈવે નં.8 પર ગણેશ સિસોદરા ગામની હદમાં પૌઆ મિલ સામે આર.ટી.ઓ.થી થોડે દૂર અકસ્માત નડ્યો હતો. પીકઅપના ચાલકે કાબુ ગુમાવતા પીકઅપ હાઈવેના ડિવાઈડર પર ચઢી ગઈ હતી અને 15થી વધુ ફૂટ આગળ ધસી જઈ બે ટ્રેકની વચ્ચે આવેલી હાઈવેની ગટરલાઈનની દિવાલમાં પીકઅપ ધડાકાભેર અથડાઈ હતી. આ ઘટનાને પગલે સુરતના પરિવારજનોનો આનંદ કિલ્લો માતમમાં ફેરવાઇ ગયો હતો.
મુલ્લા હોસ્પિટલમાં 10 ઈજાગ્રસ્તો પૈકી બે જણાંના મોત નીપજ્યા હતા
પીકઅપમાં બેઠેલા બાળકો સહિત તમામની ચીસો નીકળી ગઈ હતી. પીકઅપમાં બેઠેલી બે બાળકીઓ 10થી વધુ ફૂટ આગળ ઉછળીને હાઈવેની ગટરમાં પડી હતી. જ્યારે અન્ય લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનાનને પગલે વાહનચાલકોએ પોતાના વાહનો બાજુએ કરી ઈજાગ્રસ્તોને બચાવવા દોડ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડ, પોલીસને કરતા તેઓની ટીમ ઘટનાસ્થળે ધસી ગઈ હતી. ઉપરાંત નવસારી, ગણદેવી સહિતના વિસ્તારની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે ધસી જતા તમામને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. જેમાં કબીલપોરની મુલ્લા હોસ્પિટલમાં 10 ઈજાગ્રસ્તો પૈકી બે જણાંના મોત નીપજ્યા હતા. જ્યારે નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલા ઈજાગ્રસ્તો પૈકી ત્રણ બાળકોના મોત નીપજ્યા હતા. અન્ય 10થી વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે.
ગાડી ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાઇ
હું વાડીએથી પરત ફાયર બ્રિગેડની ઓફિસે જતો હતો. એ વખતે જ મારી નજર સામે જ અકસ્માત થયો હતો. ગાડી ધડાકાભેર ડિવાઇડર સાથે અથડાતા તે જોતા જ મારી ગાડી મૂકી હું તે તરફ ભાગ્યો હતો અને ઘટનાની ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયરના જવાનો પણ આવી પહોંચ્યા હતા. એ દરમિયાન અન્યની મદદથી ઈજાગ્રસ્તોને બચાવવા એમ્બ્યુલન્સમાં મૂક્યા હતા. ગટરમાં પડેલા બાળકોને બહાર કાઢવામાં મદદ કરી હતી.- કિશોરભાઈ મિસ્રી, ફાયર બ્રિગેડ જવાન, નવસારી.
ઈજાગ્રસ્તોની યાદી
ખુશી રમેશભાઈ પટેલ (9 વર્ષ), વિશાખા રમેશભાઈ પટેલ (11 વર્ષ), સુમિતા નરેશ ભરૂચા (14 વર્ષ), ભાવિના મુકેશભાઈ પટેલ (25 વર્ષ), શીયા હેમંતભાઈ પટેલ (5 વર્ષ), પૂર્વિ જયેશભાઈ પટેલ (4 વર્ષ), રંજનબેન રમેશભાઈ પટેલ (35 વર્ષ), કેતન ભગવાનભાઈ પટેલ (27 વર્ષ), દિવ્યાબેન કેતનભાઈ પટેલ, વનીતાબેન સંજયભાઈ (સુરત રિફર કરાયા), ચેતન રમેશભાઈ પટેલ (સુરત રિફર કરાયા), દિવ્યાબેન કમલેશભાઈ પટેલ (14 વર્ષ), કેતન રમેશ માછી (25 વર્ષ), જિગીષાબેન પટેલ, રૂદ્ર જયેશ પટેલ (4 વર્ષ), વશિંકા સંજય પટેલ (4 વર્ષ), હેમાંશી દિનેશ પટેલ (2 વર્ષ), હિનલ જયેશ પટેલ (13 વર્ષ), જીયા મુકેશ પટેલ (7 વર્ષ), બિપીન જશવંત માછી (27 વર્ષ), રાશ શાંતિલાલ પટેલ (18 વર્ષ), પ્રિન્સ કમલેશ પટેલ (16 વર્ષ)
મૃતકોની યાદી
વેનસી મુકેશભાઈ પટેલ (2.5 વર્ષ)
દક્ષ ચેતનભાઈ પટેલ (1 વર્ષ)
એંજલ હેમંતભાઈ પટેલ (3 વર્ષ)
કૌશિકભાઈ (22 વર્ષ)
લતાબેન (25 વર્ષ)(તમામ રહે.વરિયાવ, માછીવાડ, સુરત)
બંને બાળકો બચી જાય તો સારૂ
હું પેટ્રોલિંગમાં બોરિયાચ જઈ રહ્યો હતો. એ વખતે અકસ્માત જોતા હું રોંગ સાઈડે હોવાથી ગાડી બાજુએ મૂકી દોડ્યો હતો. ગટરમાં બે છોકરા પડ્યા હતા. હું અંદર કૂદ્યો હતો અને બંને બાળકોને બેહોશ બહાર કાઢ્યા હતા. બંને બાળકો બચી જાય તો સારૂ. - સમીરદાન નટવરદાન, પો.કો. ગ્રામ્ય પોલીસ
Source URL : http://www.divyabhaskar.co.in/news-ht/DGUJ-NAV-OMC-accident-near-sisodara-in-navsari-five-person-died-including-3-child-5331483-PHO.html?seq=2
Comments
Post a Comment