ગુજરાતમા ખાનગી અને સરકાર સંચાલિત સેલ્ફ ફાઈનાન્સ મેડિકલ કોલેજોમાં 10 ટકા NRI ક્વોટાને 15 ટકા મેનેજમેન્ટ ક્વોટામાં ભેળવવા માટે કેબિનેટે કાયદામાં સુધારો સુચવતા વટહુકમને બહાલી આપ્યા બાદ તેના આખરીકરણ માટે રાજ્યપાલને મોકલવામાં આવ્યો છે. તો બીજી તરફ મેડિકલ એજ્યુકેશનમાં હવે મેનેજમેન્ટ ક્વોટા 25 ટકા કરવાના સૈધ્ધાંતિક નિર્ણય બાદ સરકારે આવી બેઠકો માટેના ફી સ્ટ્રક્ચર માટે નવેસરથી વિચારણા હાથ ધરી છે.
તબીબી શિક્ષણ વિભાગના અધિકૃત સુત્રોએ જણાવ્યુ કે, ફી નક્કી કરવા માટે સરકારે ફી રેગ્યુલેટરી કમિટી બનાવી છે અને આ કમિટી જ 15 ટકા એનઆરઆઈ ક્વોટા રદ્દ થતા મેનેજમેન્ટ ક્વોટા માટેના ફી સ્ટ્રક્ચરમાં ફેરફાર સાથેની દરખાસ્ત મોકલશે અને તે ઉપર સરકારે નિર્ણય લેવાનો રહેશે. ગુજરાતમાં સરકાર હસ્તરની મેડિકલ કોલેજોમાં મેનેજમેન્ટ ક્વોટા નથી. પણ સરકારની સેલ્ફ ફાઈનાન્સ કોલેજો કે જેનું સંચાલન સોસાયટી દ્વારા થાય છે તેમાં અને અન્ય તમામ પ્રાઈવેટ કોલેજોમાં અત્યાર સુધી એનઆરઆઈ ક્વોટામાં એક બેઠક દિઠ 17000 ડોલર ફી લેવામાં આવતી હતી. જે ભારતીય ચલણમાં રૂ.11 લાખથી વધારે રકમ થાય છે. જ્યારે મેનેજમેન્ટની બેઠક માટે રૂપિયા 7થી 8 લાખની ફી લેવાતી હતી. હવે જ્યારે એનઆરઆઈ ક્વોટા જ રદ્દ કરવામાં આવ્યો છે ત્યારે મેનેજમેન્ટ ક્વોટાની ફીનું સ્તર વધારવા ફી રેગ્યુલેટરી કમિટીએ કવાયત શરૂ કરી છે. સંભવતઃ મેનેજમેન્ટ ક્વોટાની તમામ બેઠકો માટે એક સમાન એટલે કે એનઆરઆઈ ક્વોટાની ફીના સ્તર જેટલી ફી રાખવાની દરખાસ્ત તૈયાર થઈ રહી છે. જો કે તેની સત્તાવાર જાણ અને પ્રક્રિયા રાજ્યપાલ દ્વારા વટહુકમને મંજૂરી આપ્યા બાદ થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત મેડિકલ કોલેજો અને સરકારની સોસાયટી સંચાલિત કોલેજોના મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો અત્યાર સુધી સરકારને સરેન્ડર થઈ જતી હતી આથી, તેના માટે સામાન્ય ફી જ લેવામાં આવતી હતી.
Source URL: http://www.sandesh.com/article.aspx?newsid=3313496
Comments
Post a Comment