રાધિકા હવે આ દુનિયામાં નથી પરંતુ તેના હૃદય આંખો સહિતના અંગો અજાણ્યા લોકોના શરીર અપાતા જીવત છે
રાજકોટ: જેના મોત બાદ તેના અંગોનું દાન કરવામાં આવ્યું હતું એ રાધિકા નામની સ્ટ્ડન્ટનું 10માનું પરિણામ આજે આવી ગયું છે. તેને 82.33 pr આવ્યા છે. ચંદન ઘસાઇને લોકોને સુગંધ આપે છે, એવું જ પ્રેરણાદાયી પગલું મંડલી પરિવારે લીધું હતું. ગઈ 23મી એપ્રિલે 16 વર્ષની પુત્રી રાધિકાનું ટ્યૂમર-હેમરેજથી બ્રેઇનડેડ થતાં તેના હૃદય, લિવર, બંને કિડની અને બંને આંખના દાનનો નિર્ણય કર્યો હતો. હોસ્પિટલના સંચાલકો થકી દર્દીઓનો સંપર્ક કરી અંગોનું પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. રાધિકાએ 10માં ધોરણની પરીક્ષા આપી હતી જેનું આજે રિઝલ્ટ આવ્યું છે જેમાં તેને 82.33 પીઆર આવ્યા છે. તે ધોરણ 10ની એક્ઝામમાં પાસ થઈ છે પરંતુ મરીને પણ જિંદગીની એક્ઝામમાં એક મહિના પહેલા જ પાસ થઇ ગઈ હતી.
આંચકી ઉપડ્યા બાદ રાધિકા બેભાન થઈ ગઈ હતી
કેવડાવાડીના ઉત્તમ એપાર્ટમેન્ટમાં રહેતા મનસુખભાઇ મંડલી અને તેના પત્ની ભાવનાબેન નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દંપતીને સંતાનમાં 16 વર્ષની પુત્રી રાધિકા અને 12 વર્ષનો પુત્ર અર્જુન છે. રાધિકા પોતાના ઘરે હતી ત્યારે આંચકી ઉપડ્યા બાદ તે બેભાન થઇ જતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
દીકરીને બ્રેઈન ટ્યૂમર પરિવારના પ્રયાસો નિષ્ફળ
બાળકીને બ્રેઇન ટ્યૂમર હતું અને હેમરેજ થતાં તે કોમામાં સરી પડ્યાનું નિદાન થયું હતું. પુત્રીને બચાવવા માટે મંડલી પરિવારે તમામ પ્રયાસો કર્યા હતા. સ્ટર્લિંગ હોસ્પિટલના ન્યુરો સર્જન ડો.ગૌરાંગ વાઘાણીને પણ બોલાવાયા હતા. બાળકીની સ્થિતિ જોઇ તેના બચવાના કોઇ સંકેતો મળતાં નહોતા.
રાધિકાને બ્રેઈનડેડ જાહેર કરાઈ
સવારે રાધિકાને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવી હતી. રાધિકાના અન્ય અંગો સારી સ્થિતિમાં હોઇ ડો.વાઘાણી સહિતના તબીબોએ મંડલી પરિવારને બાળકીના અંગોનું દાન કરવા સમજાવ્યા હતાં.
દીકરીના મોતથી પરિવાર પર આભ ફાટ્યું
વ્હાલસોયી પુત્રીનાં મોતથી સ્તબ્ધ મનસુખભાઇ અને ભાવનાબેન પર આભ ફાટ્યું હોઇ તેવી સ્થિતિ સર્જાઇ હતી. પોતે લૂંટાયા પરંતુ અન્યની જિંદગીમાં ખુશી પ્રસરાવાનો વિચાર કરી દંપતીએ બાળકીના છએય અંગોના દાનનો નિર્ણય લીધો હતો. હોસ્પિટલના ઘનશ્યામભાઇ ગુસાણી સહિતના સ્ટાફે હૃદય અને લિવર સહિતના અંગોના જરૂરતમંદ દર્દીઓની યાદી મેળવી એ અંગેની કાર્યવાહી કરી હતી. રાધિકાનો મૃતદેહ 10મી તારીખે સવારે તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો.
દીકરીના અણધારી વિદાયથી મમ્મી ખૂબ જ વ્યથિત હતાં પરંતુ તેના અંગો જીવત રહ્યા એની ખુશી છે મારી દીકરીનું હૃદય જેને મળશે તે ન્યાલ થઇ જશે: ભાવનાબેન
રાધિકાના માતા ભાવનાબેને જણાવ્યું હતું કે, રાધિકાએ ઓચિંતી લીધેલી વિદાય અકલ્પનીય છે, પરંતુ પુત્રી મૃત્યુ બાદ પણ અન્ય વ્યક્તિના સ્વરૂપમાં વર્ષો સુધી જીવિત રહેશે, રાધિકા ખુબજ લાગણીશીલ હતી. નોકરી કરીને ઘરે આવતાં પિતા માટે હંમેશાં લીંબુ સરબતનો ગ્લાસ લઇને રાધિકા સામે આવતી. મમ્મી-ભાઇની સતત ચિંતા કરતી, મારી પુત્રીનું હૃદય જેને મળશે તે ન્યાલ થઇ જશે’.
આંખ વિદેશ રહેતાને ડોનેટ કરાશે તો વિદેશ જવા માતા તૈયાર
ભાવનાબેને વધુમાં કહ્યું હતું કે, રાધિકાની આંખ વિદેશમાં રહેતાં કોઇ વ્યક્તિને ડોનેટ કરાશે તો તે વ્યક્તિને જોવા પોતે વિદેશ પણ જશે.
રાધિકાનો નાનો ભાઈ બહેનની વિદાયથી કઈ કહી શકે એમ ન હતો તોય કહ્યું હતું કે એ કેટલું જીવી એ મહત્વનું નહી પરંતુ કેવું જીવ એ મહત્વ છે
ધોરણ-7માં અભ્યાસ કરતાં અર્જુને ભીની આંખે કહ્યું હતું કે, મારી બહેન કેટલું જીવી એ નહીં કેવું જીવી એ મહત્ત્વનું છે.
રાધિકા સારી ક્રિકેટર-ઓલરાઉન્ડર હતી : કોચ રાજુભાઇ
રાધિકા કડવીબાઇ કન્યા વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી અને તેણે ધોરણ-10ની પરીક્ષા આપી હતી. સ્કૂલમાં વિદ્યાર્થિનીઓને ક્રિકેટ શીખવતાં તેમજ વાય.બી.સ્પોર્ટસ એકેડેમીના કોચ રાજુભાઇએ જણાવ્યું હતું કે, રાધિકા ખૂબ સારી ક્રિકેટર હતી. કડવીબાઇ કન્યા વિદ્યાલયની ક્રિકેટ ટીમની તે ઓલરાઉન્ડર હતી. રાધિકા ક્રિકેટર તરીકે કારકિર્દી બનાવવા માગતી હતી અને એ માટે ખૂબજ પ્રેક્ટિસ કરતી હતી.
તેની મમ્મી સાથે રાધિકાએ મુસાફરી દરમિયાન લીધેલી સેલ્ફી
Source URL : http://www.divyabhaskar.co.in/news-ht/SAU-RJK-c-120-484004-NOR.html
Comments
Post a Comment